*કર્મ ના ફળ નું ફળ*
સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. કેમકે આજે ઘરે એક મોટું કામ કરવાનુ હતું. જો એ કાર્ય ઘરે થઈ જાય તો એને ખૂબ નફો થાય એવું હતું. એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હતો.
પણ...ત્યાં જ એના કાનમાં દૂર-દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું, આ કોઈ બાળકનો અવાજ લાગે છે, ને એ રડે છે, કણસે છે. એટલે નક્કી એ એકલો જ હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર-દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયો છે, ને એ એમાંથી નીકળવાના હવાતીયા મારી રહ્યો છે. એ જેમ-જેમ નીકળવાની કોશિશ કરે છે, એમ-એમ એ વધુ ને વધુ અંદર ફસાતો જાય છે. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે, અત્યારે જો આ બાળકને બહાર નહિં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય અને જો કાઢવા જઉં તો, ઘરે જઈ મોટું કામ કરી એનો મોટો લાભ જે મળવાનો છે, એ લાભ હું મોડો પડું તો ચાલ્યો જશે એ નક્કી! પણ...*ફલેમિંગના મનમાં દયા હતી.* દયા એટલે કોઈના દુઃખે દિલનું દ્રવી જવું.
ખેડૂત ફલેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો, ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો, ને ખવડાવ્યું. બાળક શાંત થયો.
ત્યાં તો થોડીવારમાં એક મોંઘી કાર એના ઘરઆંગણે આવી ઊભી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફલેમિંગ કંઈ વિચારે એ પહેલા તો પેલો બાળક દોડ્યો ને *"પપ્પા! પપ્પા!*” કહેતો પેલા શ્રીમંત માણસને ભેટી પડ્યો અને એ શ્રીમંત માણસની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. એમણે દિકરાને તેડી લીધો, ને.. આભારવશ થઈ ખેડૂતની સામે ડોલરોની થપ્પી ધરી દીધી.
ફલેમિંગ ખેડૂત હતો. એ ધનાઢય નો’તો, પણ...દિલની અમીરાઈ હતી એની પાસે!
ખેડૂત ફલેમિંગ બોલ્યો, “સર! સત્કાર્યનો ચાર્જ ન હોય, સત્કાર્ય તો ચાર્જર છે. જે આપણા નસીબને ચાર્જ કરી દે છે.’’ ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો ઈન્કાર કર્યો, ત્યારે આ શ્રીમંત સજ્જને કહ્યું, “તો તમારે મારી એક વાત માનવી પડશે. તમારા છોકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ. એને જેટલું ભણવું હોય, ને જ્યાં જઈ ભણવું હોય, સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું જ આપીશ.”
ખેડૂત ફલેમિંગ આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી નો’તો શકતો. એણે નીચી નજર કરી દીધી ને પછી ઈતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત, મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. એનું વિશ્વપ્રસિધ્ધ નામ, *"એલેક્ઝાન્ડર ફલેમિંગ."*
એણે ઘણા સંશોધન કાર્યો કર્યા. ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા અને એક દિવસ ઈતિહાસ રચાયો. એક અતિ ધનાઢ્ય પરિવારનો દિકરો ગંભીર માંદગીમાં પટકાયો. એના બચવાની તકો ખૂબ ઓછી હતી. એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે *'Penicillin'* (પેનિસિલિન) ની શોધ કરી, જે આ બિમારી સામે અક્સીર દવા સાબિત થઈ, જે આજેય જગ વિખ્યાત છે.
એ જ દવાએ આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો બચી ગયો અને આ ધનાઢ્ય પરિવારને જ્યારે ખબર પડી કે, આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફલેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા, અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે છે, ત્યારે તેઓ ગદગદ બની ગયા.
અને જ્યારે આ ધનાઢ્ય પરિવાર ને સર એલેક્ઝાન્ડર ફલેમિંગ ભેગા મળ્યા ત્યારે બંન્ને એકબીજાના આભારવશ લાગણીભીના બની ગયા. ખેડૂત ફલેમિંગ કહે, "મારા દિકરાને તમે આટલે પહોંચાડ્યો." ધનાઢ્ય પરિવાર કહે, "મારા દિકરાને તમે બચાવ્યો." અને આ ગંભીર બિમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે, *સર વિન્સ્ટન ચર્ચિલ!*
●
જમીન...વાવેલા દાણા પાછા આપે કે ન આપે, બેંક...મૂકેલા નાણા પાછા આપે કે ન આપે, પણ...કરેલા સારા કાર્યો તો એના મીઠા ફળ આપે આપે ને આપે જ! સમય પાકતા ને વખત આવતા, અને તેય અનેકગણા થઈને!
*એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય*
*ક્યારેય નિષ્ફળ જતું નથી.*✍🏻✅
No comments:
Post a Comment